
ઇસનપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે રિક્ષા અથડાતાં રિક્ષામાં બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે રિક્ષા ડ્રાઇવર સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જશોદાનગર ખાતે રહેતા યુવક તા.૧૧ના રોજ રાતના સમયે રિક્ષામાં બેસીને વટવાથી ઇસનપુર રોડ પરથી પસાર થતા હતા આ સમયે અજાણ્યા રિક્ષા ચાલકે જાહેર રોડ ઉપર રિક્ષા ઉભી રાખી હતી અને પેસેન્જર ભરીને એકદમ પૂર ઝડપે રિક્ષા હંકારી હતી અને યુવક જે રિક્ષામાં બેઠો હતો તે રિક્ષાને ટક્કર મારી હતી.યુવકને પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને રિક્ષા લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
