

રાજકોટથી ગોંડલ જનાર રસ્તામાં નેશનલ હાઇ-વેના ભંગાર રસ્તાની સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા આજે અનેક વાહન ચાલકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. રાજકોટથી ગોંડલ વચ્ચે કોરાટ ચોકથી શાપર નજીક આજે એક કલાક સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઇ જતાં રવિવારે દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અડધે રસ્તે કલાકો સુધી ફસાઇ ગઇ હતી.આ વિસ્તારની કાયમી ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ જવાની સરકારી ખાત્રીનું સુરસુરિયું થઇ જતાં આ મુદ્દે આવતીકાલ તા.૨૧ના કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં ચોમાસાને કારણે ચારેબાજુ ડામરના રોડ તુટી જતાં મહાપાલિકાનું તંત્ર રસ્તા રીપેરિંગમાં વામણું પુરવાર થયું છે. શહેરના સીમાડા સાથે જોડાયેલા સ્ટેટ હાઇ-વે અને નેશનલ હાઇ-વેની બદતર હાલત સુધારવા ગત સપ્તાહ દરમિયાન અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકોટથી જેતપુરના નેશનલ હાઇ-વેના બિસમાર રોડની હાલત સુધરી નથી. ભંગાર રસ્તાના કારણે આ વિસ્તારમાં અનેક સ્થળે વાહન ચાલકો આગળ વધી શકતા નહીં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
દરમિયાન આજ રોજ ગોંડલ રોડ ઉપર કોરાટ ચોકથી શાપર સુધી રસ્તાની એક સાઇડમાં વાહનોની લાંબી લાઇનો લાગતા ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી ભારે જહેમત બાદ ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. અલબત આજે રાજકોટથી કાલાવડ જવાનો રસ્તા ઉપર કટારિયા ચોકડી નજીક જામનગર જવાના રસ્તે માધાપર ચોકડી નજીક મોરબી રોડ ઉપર બેડી ગામ નજીક અને ભાવનગ રોડ ઉપર આજી ડેમ ચોકડી નજીક સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી માહોલમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ – જેતપુરના ભંગાર રસ્તાના મુદ્દે નેશનલ હાઇ-વેની બેદરકારીનો મુદ્દો આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઊઠયો હતો. આ મુદ્દે આગામી બે – ત્રણ દિવસમાં ગાંધીનગર મુખ્યમંત્રીએ નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું