

અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે, ઓટોરિક્ષા યુનિયને આજે રાત્રે 12 વાગ્યાથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો, અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે, તેવી યુનિયને સ્પષ્ટ જાહેરાત કરી છે.રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.
યુનિયનની મુખ્ય માંગણી છે કે, જે ઓટોરિક્ષાના દસ્તાવેજો સંપૂર્ણ હોય તેમને તાત્કાલિક છોડી દેવામાં આવે અને ખોટી રીતે હેરાનગતિ બંધ કરવામાં આવે. જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં થાય તો, યુનિયન દ્વારા આજે રાત્રે 12 વાગ્યા બાદ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે અમદાવાદના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.