

ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે પોલીસ દ્વારા વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી અને બનાસકાંઠા ડીસાના બે શખ્સોને પકડીને દારૃ અને કાર મળીને ૬.૯૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃની હેરાફેરી કરતા આવા વાહનોને પકડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે કલોલ તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા શેરથા ટોલટેક્સ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખવામાં આવી હતી. જેથી કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલો, બિયર ટીન અને ક્વાર્ટર નંગ મળી કુલ ૭૩૨ નંગ મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરતા તે બનાસકાંઠાના ડીસા તાલુકાના આખોલ ગામના જશપાલસિંહ ભરતસિંહ પરમાર અને પંકેશ ચંદુજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા કાર અને દારૃ મળીને કુલ ૬.૯૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે