
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.કચ્છના રાપરમાં મતદાન સમયે મારામારીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ રાપર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડ્યો હતો. મોરબી ડાયમંડનગર પાસે પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉમેદવારને બુથ પાસેથી હટી જવાનું કહેતા બબાલ થઈ હતી, બાદમાં અન્ય અધિકારીએ મામલો થાળે પાડ્યો હતો
બીજી તરફ દાહોદના ધામણખોબરામાં મતદાન સમયે હોબાળો મચ્યો હતો, જેમાં પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે આજે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં મતદાન નથી યોજાયું. આનું મુખ્ય કારણ એ છે કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, જે તે સમયે આ સ્થળોની ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી. રદ કરાયેલી આ ચૂંટણીઓ દિવાળી બાદ યોજાય તેવી શક્યતા છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચપદ માટે કુલ 584 અને સભ્યપદની ચૂંટણી માટે કુલ 2471 ઉમેદવારો વચ્ચે જંગ છે. સાજે છ વાગ્યા સુધી મતદાન બાદ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીઓમાં સીલ થઇ જશે. મતદાન દરમિયાન ઓળખપત્ર સહિત કેટલાક મુદ્દાઓ પર બુથ પર સામાન્ય રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગુજરાતમાં 8000થી વધુ ગ્રામ પંચાયતની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે મહિસાગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મતદાન કરવા જતી વખતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત અને 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો એક પેસેન્જર વ્હિકલ તૂફાનમાં સવાર હતા. ઘટના મુજબ આ તૂફાન અને ટ્રેલર વચ્ચે સંતરામપુર બાયપાસ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૃતકો દાહોદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા અમદાવાદથી દાહોદ તરફ જઇ રહ્યા હતા.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં 24 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે 68 જેટલા બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને ઝોઝ, મંગલપુર અને ગુણેલી સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે યુવાનો અને વડીલો સહિતના મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. શહેરામાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન 30463 પુરૂષ 29239 મહિલા મતદારો મળી કુલ 59702 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ત્યારે 9 વાગ્યા સુધીમાં 16 ટકા જેટલું મતદાન નોંધાયું છે. કુલ 27 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના 80 ઉમેદવારો અને સભ્ય પદના 337 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.મહત્વનું છેકે બેલેટ પેપરથી અને ગામની ચુંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
