
અમદાવાદ,તા.૨૩
પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતમાં અનેક સમાજના યુવા નેતાઓ સામે આવ્યા છે અને હાલમાં ધારાસભ્ય છે. જેમાં એક વધુ નામ ઉમેરાયું છે અને તે છે ગોપાલ ઇટાલિયા. સમાજના નામે આંદોલન કરીને MLA બનેલા નેતાઓમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ના નામ મોખરે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને ત્રીજા વિકલ્પ તરીકે સામે આવવા મહેનતની ખૂબ જરૂર છે, પરંતુ Gopal Italia ની વિસાવદર બેઠક પરની જીત ભાજપ માટે વિધાનસભામાં મોટી મુસીબત સાબિત થશે.
ગોપાલ ઇટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો તેમને એક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં Gopal Italia નો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. અમદાવાદ શહેર પોલીસ ના માધવપુરા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે તેમજ ત્યારબાદ અમદાવાદ કલેકટર કચેરી અને ધંધૂકા ખાતે કારકૂન તરીકે સરકારી નોકરી કરી ચૂક્યાં છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનમાં ઈટાલિયા હાર્દિક પટેલ ની નજીક હતા. વર્ષ 2018થી 2020માં PAAS માં સક્રિય Gopal Italia આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ડિસેમ્બર-2020થી જાન્યુઆરી-2023 સુધી ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ગોપાલ ઈટાલિયાનું સોશિયલ મીડિયા પર સારૂં એવું ફેન-ફૉલોઈંગ છે. તેમની સામે કેટલાંક કેસ પણ ચાલી રહ્યાં છે.
Gopal Italia એ વર્ષ 2017માં તત્કાલીન મંત્રી નીતિન પટેલને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ફોન કર્યો હતો. આ ફોન કૉલનો ઓડિયો વાઇરલ થયો હતો. જોકે, આ કારણસર ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. આ વિવાદ બાદ Gopal Italia એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયું. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા ઇટાલિયાએ “ભ્રષ્ટાચાર મુલ્તવી રાખો” ના નારા લગાવ્યા હતા. આ ઘટના પછી તેઓ ફરી એક વખત Hot Topic બન્યા હતા અને તેમની સામે કેસ પણ થયો હતો.
ભાજપની આખી ટીમ સામે છતાં ઇટાલિયાની જીત
ભારતીય જનતા પાર્ટી માટે કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક એક મોટો પડકાર હતી. આ કારણસર જ BJP ની આખી ટીમ વિસાવદરની ચૂંટણીમાં લાગી પડી હતી. જયેશ રાદડીયા જેવા નેતાઓએ દિવસ-રાત ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ને વિજયી બનાવવા મહેનત કરી હતી. વિસાવદર બેઠકના મતદારોના મન જાણવા પહેલેથી જ અઘરા છે. ભૂતકાળમાં આ બેઠક પરથી AAP ના ભૂપત ભાયાણી અને GPP માંથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિજેતા બની ચૂકયાં છે. અત્રે નોંધનીય છે કે, પક્ષપલટુ ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણીમાં ફરીથી AAP ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજેતા થયા છે.
