
રાજકોટ,તા.૨૩
રાજકોટ મહાનગર પાલિકા કચેરીમાં હોબાળો મચ્યો હતો. લીલુડી વોકળા ખાતે રહેતા લોકોને 24 કલાકમાં ઘર ખાલી કરવા નોટિસ મળતા હોબાળો મચ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ સાથે કોંગ્રેસ નેતાઓ અને આગેવાનો મનપા કચેરી પહોંચ્યા હતા. ચોમાસામાં ડિમોલેશન બંધ કરવા અને બેઘર લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરવામાં આવી છે. મનપા કચેરીમાં મનપા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરાશે
પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, પહેલા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. આજે પણ ફરીથી રજૂઆત કરવામાં આવી છે. જે ડિમોલેશન કરો છો. તેની અમે ના નથી પાડતા પણ સામે વૈકલ્પિક વ્યવસ્થા આપો. અને ચોમાસાની સીઝન છે. લોકો નાના માણસો રહે છે. એટલે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને ડિમોલિશન મુલત્વી રાખો. તેવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આજે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરવામાં આવશે.
સ્થાનિક દ્વારા આક્રોશ ઠાલવ્યો
આ બાબતે સ્થાનિક સોનુભાઈએ જણાવ્યું હતું કે, અમે 50 વર્ષથી રહીએ છીએ. હવે તમે કાલ સવાર એમ કહો કે ખાલી કરી નાંખો તો ક્યાં જાઉ એના કરતા તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો.
