
અમદાવાદ,તા.૨૪
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં તાપીના ડોલવણ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ સાથે આણંદના બોરસદમાં સવા પાંચ ઈંચ વરસાદ તથા નવસારીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ તેમજ પંચમહાલમાં ત્રણ ઈંચ વરસાદથી પાણી પાણી થયુ છે. ત્યારે અમદાવાદના ધંધુકા તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તથા છોટાઉદેપુરના જેતપુરપાવી તાલુકામાં અઢી ઈંચ વરસાદ આવ્યો છે. સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ 23 જૂન વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા 10 કલાકમાં જ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે બે દિવસ અગાઉ જ આગાહી કરી દીધી હતી કે, 22 થી 26 જૂન દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ આગાહી જામનગર જિલ્લા માટે પણ સાચી સાબિત થઈ છે. સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયાનું કંટ્રોલરૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
24 કલાક દરમ્યાન કાલાવડ ખાતે પણ નોંધપાત્ર પોણાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુરમાં પોણાં ત્રણ ઈંચ જેટલો, જામનગર શહેરમાં પોણાં બે ઈંચ જેટલો, લાલપુરમાં દોઢ ઇંચ કરતાં વધુ જ્યારે ધ્રોલમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સરસ વરસાદ વરસ્યો. ખેડૂતો સહિતના ગ્રામજનોમાં આ વરસાદથી હરખની હેલી જોવા મળી રહી છે. જામનગર તાલુકાના મોટી બાણુંગારમાં સાડા પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો. આ ઉપરાંત અલિયાબાડામાં ચાર ઈંચથી વધુ, જામવંથલીમાં ત્રણ ઈંચથી વધુ, ફલ્લામાં બે ઈંચથી વધુ અને દરેડમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. લાખાબાવળ અને વસઈમાં હળવા છાંટા પડ્યા છે.
