

અમદાવાદ,તા.૨૬
અમદાવાદમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો છે. નિંભર તંત્રના પાપે એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે. આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ! અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. ઓઢવમાં ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ બહાર કઢાયો છે. અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ છે. જેમાં મનુભાઈ પીતાંબર દાસ પંચાલ નામના યુવકનું મોત થયુ છે.
ફાયર વિભાગે 10 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો છે. ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું કે, રાત્રે 8:50 વાગ્યાની આસપાસ ઓઢવ ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજ લાઈનના ખાડામાં બાઈક સાથે એક વ્યક્તિ પડ્યો છે. જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ સાથે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. નિકોલ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે આવવા માટે નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજ લાઈનનો ખાડો હતો, જેમાં ખૂબ પાણી ભરાયેલું હતું. સતત વરસાદ પડી રહ્યો હતો. ઘટનાસ્થળ ઉપર સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, બાઈક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો અને તરત જ કાબુ ગુમાવતા પાણીમાં પડ્યો હતો અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.