

રાજકોટમાં વધુ એક હોસ્પિટલનું ખ્યાતિકાંડ જેવુ કારસ્તાન સામે આવ્યું છે. જેમાં રૈયા ચોકડી પાસે આવેલી રાધે હોસ્પિટલનું મોટુ કાંડ સામે આવ્યું છે. 22 લાખ 49 હજાર 587 રૂપિયાનો હેલ્થ વીમો પકવવા ખોટા રિપોર્ટ કરાયા હતા. રાધે હોસ્પિટલના ડો.વિપુલ બોડા દ્વારા સારવાર અપાઈ હોવાના રિપોર્ટ અપાયા છે. મેડીક્લેમ પકવવા માટે ખોટા રિપોર્ટ રજૂ કરાતા ડોક્ટર સામે ફરિયાદ થઇ છે.
રાધે હોસ્પિટલના ડોક્ટર અંકિત કથરાણી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઈમેજિંગ સેન્ટરના બ્રેઈન રિપોર્ટ રજૂ કરાયા હતા. જેમાં સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે. ડોક્ટર વિપુલ બોડાએ જણાવ્યું કે, આ ઘટના થોડા મહિનાઓ પહેલાની છે. ડો. અંકિત કાથરાણી હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા હતા, પોતાને નબળાઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. અમારે ત્યાં મોટું બિલ બન્યું નથી. અમારી પાસે દર્દી આવે એટલે સારવાર કરીએ છીએ. સહયોગ ઇમેજિંગનો રિપોર્ટ છે. પોતે ડોક્ટર હોવાથી સારવાર માટે આવ્યા હતા. અમને બદનામ કરવા, અમારૂં નામ જોડી દેવાયું છે. એક દિવસ સારવાર લઈને તેઓ ડિસ્ચાર્જ થયા હતા. અમારે ત્યાં તેમનું મામૂલી રકમનું બિલ બનેલ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દર્દી મયુર છુંછાર જે દેવામાં ડૂબેલો હતો, તેણે ડો. અંકિત સાથે મળીને આ યોજના ઘડી હતી અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને 40 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. જેમાંથી, મેડિક્લેમ પાસ થયા બાદ ડો. અંકિતને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે 5000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી અને તેમને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી કરી રહી હતી.