
અમદાવાદમાં ગઈકાલે (27 જૂન શુક્રવાર) 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ત્યારે હવે આજે બીજા દિવસે ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન થયા છે. આજે પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જગન્નાથ મંદિરે ઉમટ્યા હતા.
આ પહેલા રથમાં બિરાજમાન ભગવાનની નજર ઉતારી વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રા સંપન્ન થયા બાદ પણ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેનની સાથે આખી રાત રથમાં રહ્યાં હતા. આ પાછળનું એક ચોક્કસ કારણ છે જેમાં ભગવાનના પત્ની રુક્ષમણીજી તેમનાથી રિસાયા હોવાથી જગન્નાથને મંદિરની બહાર રાતવાસો કરવો પડે છે. આજે બીજા દિવસે શુભ મુહૂર્તમાં આરતી બાદ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથ રથયાત્રા પરંપરાગત રૂટ પર યોજાઈ હતી. આ રથયાત્રામાં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા.
અમદાવાદમાં સુચારુ રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી. જો કે રથયાત્રામાં કોઈ ઘટના ન બને તે માટે 23,000 પોલીસકર્મીઓએ ફરજ બજાવી હતી. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવમાનો એક છે. તેમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કર્યા હતા. આ વખતે ભીડ ક્યાં વધુ છે તે જાણવા માટે AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ગઈકાલે (27 જૂન શુક્રવાર) સવારે 7 વાગ્યે પરંપરાગત ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ભગવાનની ત્રણ મૂર્તિઓને રથ પર બિરાજમાન કરવામાં આવી હતી. સાંજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
