
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. આજે ફરી એકવાર અહીં વાહનોની લાંબી લાઈનો લાગી છે. બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ચાલકો વચ્ચે બબાલ થતાં જામ સર્જાયો છે અને લોકો દોઢ કલાકથી લાઈનમાં ઉભા છે.
અહીં ટ્રાફિક જામના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત થઈ ગયો, જેના પછી બંને ટ્રકના ડ્રાઇવરો વચ્ચે બોલાચાલી થઈ. ત્યારે રોડનું કામ કરતા સુપરવાઇઝરે બંને ડ્રાઇવરોને સમજાવીને રસ્તા વચ્ચેથી હટાવ્યા. ત્યારે એક કાર ચાલક રસ્તાની કામગીરી દરમિયાન રસ્તા પર મૂકેલા સેફટી કોર્નને કાર સાથે ઘસી ગયો. જેને લીધે રોડની કામગીરીમાં પણ વિક્ષેપ આવ્યો છે.
અહીં વાહન ચાલકો દોઢ કલાકથી ટ્રાફિકમાં ફસાયા છે. ત્યારે ભારે ટ્રાફિકને કારણે વાહનચાલકોમાં રોષ છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે ટ્રાફિક જામ વચ્ચે રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ હાઇવે પર મોટા-મોટા ખાડા પડતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. હાલમાં પણ રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ ચાલી રહ્યું છે. વાહનચાલકોની માંગ છે કે રસ્તાનું કાયમી નિવારણ લાવવામાં આવે.
