
હવામાન વિભાગે આજે 11 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે. બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે નાની બોટ લઈને માછીમારી કરવા ગયેલા પાંચ માછીમારો ગુમ થયા છે. કોસ્ટગાર્ડની ટીમ પોરબંદરના દરિયા કિનારા વિસ્તારમાં શોધખોળ કરી રહી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગઇકાલે દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા હતા, તેમ છતાં પોરબંદરમાં અનેક લોકો દરિયા કિનારે સેલ્ફી લઈ રહ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભુજ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં ગતરોજ વરસાદી માહોલ જામ્યો હતો.
ગઇકાલે અમદાવાદમાં વરસાદે માઝા મૂકી હતી. અમદાવાદના સોલા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, ઈસ્કોન, બોપલ, ઘુમા, શિવરંજની, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વિસટર્ન રહીશોને આના લીધે તકલીફ પણ થઈ હતી. આજે રવિવારની સવારથી જ વરસાદી માહોલ વચ્ચે આજે પણ અમદાવાદમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જિલ્લામાં બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો છે. પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા, યાત્રાધામ પાવાગઢ ગોધરા અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ રહ્યો છે. દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ગોધરા પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું હતું, આ સાથે જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી જેમ વહેતા થયા હતા. વરસાદને લઈ પગથિયાં ઉપર ખળખળ વહેતા ઝરણાં જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
સુરતમાં સતત છઠ્ઠા દિવસે પણ બપોર બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે સ્પીડ પકડી હતી. સુરતના અઠવાલાઇન, કતારગામ, વરાછા, કાપોદ્રા, પાંડેસરા, સીટીલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સતત વરસાદનાં પગલે સુરતના લોકોની ચિંતામાં વધારો થયો હતો.
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. સમી પંથકમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસતાં લોકોને બફારાથી રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
