
અમદાવાદમાં તથ્ય પટેલ અને વડોદરાના રક્ષિત ચોરસિયા દ્વારા ગુજરાતના મોટા વ્યસનથી ચકચૂર અકસ્માતો બાદ પણ બેફામ ડ્રાઈવિંગના કેસ રોજેરોજ નોંધાતા જ રહે છે. ગુજરાતના લગભગ તમામ શહેરમાં અકસ્માતોના સમાચારો જાણે સામાન્ય થઈ ગયા છે. ત્યારે અમદાવાદના નારોલમાં દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી બાંકડા પર બેઠલા એક વ્યક્તિને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નારોલમાં બોમ્બે હોટલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જ્યો છે. આ ઘટનામાં બાંકડે બેઠેલા એક વ્યક્તિને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ ચાલકે ટેન્કર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આગળ જતાં બે ફોર-વ્હિલર, એક ટુ-વ્હિલર અને BRTS બસ સ્ટોપના પિલરને પણ ટક્કર મારી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેન્કર ચાલક પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. ચંડોળા નજીક PWD ઢાળ પાસે બાંકડા પર બેઠેલા એક પુરુષને ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અમદાવાદના દાણીલીમડાના રહેવાસી એહસાનખાન રઇસખાન પઠાણ (ઉંમર 20) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે મારા પિતા રઇસખાન પઠાણ (ઉંમર 58) 30 જૂને રાત્રે લગભગ 10:30 વાગ્યે PWD ઢાળ પાસે બેઠા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસ સ્ટેશન ‘કે’ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્ડિયન પીનલ કોડ અને મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવના પગલે પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આરોપી ટેન્કર ચાલક અવધેશકુમાર રામસુમેર દુબે (ઉંમર 58) જે શાહવાડી, નારોલનો રહેવાસી છે, તેની ધરપકડ કરી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
