
ગુજરાતમાં નશાકારક દવાઓના દૂરપયોગ અને ગેરકાયદે વેચાણ વધ્યું છે. તેને રોકવાના આશયથી બુધવારે (નવમી જુલાઈ) અમદાવાદ, સુરત, વલસાડ સહિતના જુદા જુદા સ્થળોએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંકલનમાં ગુજરાત પોલીસ દ્વારા વિવિધ મડિકલ સ્ટોર્સમાં દરોડા પાડી ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા 724 મેડિકલ સ્ટોર્સમાં સર્ચ અભિયાન હાથ ધરી એક એનડીપીએસના કેસ સહિત કુલ 160 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.સુરતમાંથી 333 મેડિકલ સ્ટોર્સમાંથી ચેકિંગ દરમિયાન 108 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડમાં 282 મેડિકલ સ્ટોર્સમાં સર્ચ કરી એક એનડીપીએસનો કેસ સહિત કુલ 45 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટ હેઠળઆવરી લેવાતી દવાઓના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓના નિયમ વિરુદ્ધ સંગ્રહ અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવા વિવિધ એજન્સીઓએ પોલીસ સાથે મળી જુદા જુદા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા અને મેગા સર્ચ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં એમીડોપાયરીન, ફેનાસેટીન, નીયલામાઈડ, કલોરામ્ફેનીકોલ, ફ્યુરાઝોલીડોન, ઓકિસફેન્બુટાઝોન અને મેટ્રોનીડેઝોલ સહિતની કેટલીક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના જ વેચાતી હોવાનું ધ્યાને આવતાં ગુજરાત પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ મેડિકલ સ્ટોર્સ પર તવાઈ બોલાવવામાં આવી હતી.અમદાવાદ, સુરત, વલસાડ ઉપરાંત, પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સ, નવસારીમાં 184, જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ, ભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકિંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં, દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોર, પંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરાયું હતું.
