
અમદાવાદમાં આ વર્ષે એક મહીનામાં ૧૯ ઈંચ વરસાદ થયો છે. શહેરના ૪૮ વોર્ડમાં આવેલા રસ્તાઓ ઉપર અત્યારસુધીમાં ૫૫૨૨થી પણ વધુ ખાડા હોટમિકસ અને વેટમિકસથી પુરવામાં આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની બેદરકારી છતી થઈ છે. ૧૮ કિલોમીટરના રોડ બને એટલું હોટમિકસ રોડ ઉપરના ખાડા પુરવા વપરાયુ છે.હજી ચોમાસાનો ઘણો સમય બાકી છે. આ પરિસ્થિતિમાં શહેરના રોડ ઉપર ખાડા પુરવામાં વધુ હોટમિકસ વપરાશે. ખાતર ઉપર દિવેલ જેવા ઘાટના કારણે રોડ ઉપરના ખાડા પુરવા પાછળ પ્રજાએ ભરેલા ટેકસના નાણાં જ ખર્ચાશે.
દર વર્ષે અમદાવાદમાં નવા રોડ બનાવવા અને રોડને રીસરફેસ કરવા અંદાજે રૃપિયા એક હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ કરાય છે. આઠ મીટર પહોળો અને એક કિલોમીટર લાંબો રોડ બનાવવા અને ૪૦ મી.મી.ની પરત બાંધવા ૭૭૦ ટન હોટમિકસ જોઈએ.મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટમિકસ પ્લાન્ટમાંથી ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારના રોડ ઉપર પડેલા ખાડા પુરવા અત્યારસુધીમાં ૩૮૫૩.૬૨ ટન હોટમિકસ, ૧૩૭૮૯.૫૯ ટન વેટમિકસ અને ૩૭૦ ટન કોલ્ડમિકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.શહેરમાં ભારે વરસાદ પછી રોડ ઉપર પડેલા ખાડા પુરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની દ્વારા આદેશ આપવામા આવ્યા હતા.કોર્પોરેશન તરફથી અલગ અલગ વિસ્તારમાં આવેલા રસ્તા રીસરફેસ કરવા મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.એક મહીનાના સમયમાં પડેલા વરસાદના કારણે શહેરના રસ્તાઓની આ હાલત છે.સપ્ટેમ્બર અંત સુધી ચોમાસુ રહેવાની છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ માટે પેટર્ન જોવા મળી છે.
અમદાવાદમાં વર્ષ-૨૦૧૭ પછી ખરાબ રોડ અંગે જવાબદારી નકકી કરીને કોર્પોરેશનના કોઈ અધિકારી સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા નથી. તો ખરાબ રોડને લઈ જે તે વિસ્તારમાં નબળી ગુણવત્તાવાળો રોડ બનાવનારા કોઈ કોન્ટ્રાકટરને પણ બ્લેકલિસ્ટ કરાયા નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે કહયુ, આ વર્ષે શહેરમાં ડીફેકટ લાયાબીલીટીવાળા એકપણ રોડ ઉપર ખાડા પડયા નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ કોન્ટ્રાકટર નવો રોડ બનાવે એ પછી પાંચ વર્ષ સુધીનો સમય ડીફેકટ લાયાબીલીટીનો હતો.જે સત્તાધારીપક્ષે ઘટાડીને ત્રણ વર્ષનો કરેલો છે.
