

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ,કુંડા સહીતની અન્ય ચીજો તૈયાર કરાવાઈ છે. સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી બનાવવામાં આવેલી મૂર્તિ સહીતની અન્ય ચીજો વેચાણ માટે લેવા ઈચ્છુક પાસેથી મૂર્તિ દીઠ રુપિયા ૩૦૦થી ૬૦૦ સુધીનો ચાર્જ લેવાશે.કોર્પોરેશનના દાણીલીમડા તથા બાકરોલ ખાતે આવેલા કેટલ ડેપો ખાતે અંદાજે ૧૪૦૦ ગાય રાખવામા આવેલી છે. આ ગાયના છાણમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ તૈયાર કરાવવામા આવી છે. પર્યાવરણનુ જતન કરવાના આશયથી કોર્પોરેશન દ્વારા નંદી નામની એક સ્વૈચ્છિક સંસ્થાને ગાયના છાણ સહીત અન્ય રો મટીરીયલ પુરુ પાડવામા આવ્યુ હતુ.જેમાંથી ગણેશજીની મૂર્તિ સહીત અન્ય ચીજો બનાવાઈ છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, રીડયુઝ,રીસાયકલ અને રીયુઝના થીમ ઉપર ગાયના છાણમાંથી બનાવેલી ગણેશ મૂર્તિ અને અન્ય ચીજો શહેરીજનો સુધી પહોંચાડવા આયોજન કરાશે. લોકો તેમની નજીકની વોર્ડ ઓફિસ, રિવરફ્રન્ટ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા એપ ઉપરથી પણ મેળવી શકશે. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા આ એક પ્રયાસ શરુ કરાયો છે. આગામી એક મહીનામાં આ સ્વૈચ્છિક સંસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનને દસ હજાર જેટલી મૂર્તિ તૈયાર કરી આપશે.જેમાં સાદી મૂર્તિ પાંચ હજાર,કલરવાળી મૂર્તિ ચાર હજાર અને એક હજાર સુશોભન વાળી મૂર્તિ આપશે.ચોમાસાને ધ્યાનમાં લઈ કોર્પોરેશન સંસ્થાને છાણમાંથી બનાવેલી સ્ટીક પુરી પાડશે.જેમાંથી દોઢ ફુટ ઉંચાઈ સુધીની ગણેશ મૂર્તિ તૈયાર કરાવાશે.
કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી તૈયાર કરાવેલી ગણેશ મૂર્તિની સાથે લીમડા,જાંબુ વગેરેના બીજ રાખવામા આવ્યા છે. મ્યુનિ.અધિકારી નરેશ રાજપૂતે કહયુ, લોકો તેમના ઘરમાં ઈકો ફ્રેન્ડલી બનાવાયેલા કુંડામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી વિસર્જન કરશે એ સમયે મૂર્તિ સાથે રાખવામા આવેલ વનસ્પતિના બીજ કુંડામાં ઉગી નીકળશે.
શહેરના તમામ ૪૮ વોર્ડમાં શ્રાવણ મહીનાના પહેલા સોમવારે જે તે વોર્ડના પ્રસિધ્ધ મહાદેવ ખાતે પહોંચનારા દર્શનાર્થીઓને કોર્પોરેશન તરફથી તૈયાર કરાવવામા આવેલી કાપડની થેલી અને તુલસીના કુંડાનુ વિતરણ કરવામા આવશે.