

બોલીવુડની ફિલ્મ ‘સૈયારા’ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના ગીતો અને સીન્સ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ટ્રેન્ડનો લાભ ઉઠાવીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે. ફિલ્મના એક વાયરલ સીનને ટાંકીને, પોલીસે અમદાવાદીઓને ‘હેલ્મેટ પહેરવાનો’ ખાસ સંદેશ આપ્યો છે.અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના ઓફિશિયલ ‘X’એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘જ્યારે સૈયારા તમને હેલ્મેટ પહેર્યા વગર સાથે આવવાનું કહે, એ થોડી ક્ષણોને લાંબી બનાવવા માટે ત્યારે હેલ્મેટ જરૂર પહેરો અને સૈયારાને પણ પહેરાવો.’
પોલીસે આ પોસ્ટમાં વધુ ભારપૂર્વક જણાવ્યું કે, ‘એકલા હો કે સૈયારા સાથે, હેલ્મેટ જરૂર પહેરજો. સૈયારા સાથે ડ્રાઇવ પર જઈ રહ્યા છો? તો હેલ્મેટને પણ સાથી બનાવી લો… નહીંતર પ્રેમ અધૂરો રહી જશે!’ આ ક્રિએટિવ અભિયાન દ્વારા, અમદાવાદ ટ્રાફિક પોલીસે યુવા વર્ગને આકર્ષીને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે હેલ્મેટના મહત્વ પર ભાર મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા બાબતે ટ્રાફિક પોલીસનો ઉધડો લીધો હતો. ત્યારબાદથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા અને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. પોલીસનું આ ક્રિએટિવ કેમ્પેઇન ટ્રાફિક નિયમોના પાલન માટે એક સકારાત્મક અને પ્રભાવશાળી પગલું છે.