

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચના અધિકારી અને સત્તા પક્ષની મિલીભગતથી ચૂંટણીની ‘ચોરી’ કરવામાં આવે છે. રાહુલ ગાંધી અગાઉ પણ આવા આરોપ લગાવી ચૂક્યા છે, હવે તેમનો દાવો છે કે તેમની પાસે પાક્કા પૂરાવા છે અને તેઓ કોઈને છોડશે નહીં. સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું છે, કે ‘ચૂંટણી પંચ બિલકુલ ભ્રમમાં ન રહે. લોકશાહી અને બંધારણને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓને અમે છોડીશું નહીં. ચૂંટણી પંચ પોતાની જવાબદારી નિભાવી નથી રહ્યું. ચૂંટણી ચોરી કરવા ચૂંટણી પંચે જે પેંતરા અપનાવ્યાં તેના પાક્કા પૂરાવા છે મારી પાસે.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, કે ‘હજુ તો માત્ર એક મતવિસ્તાર પર નજર નાંખી અને આ બધુ સામે આવી ગયું. મને ભરોસો છે કે ભારતના તમામ મતવિસ્તારોમાં આ જ બધા નાટક ચાલુ છે. હજારો મતદારો ઉમેરાયા તેમની ઉંમર શું છે? 45, 50, 60, 65. એક જ મતવિસ્તારમાં હજારો મતદારો ઉમેરાયા. 18 વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરાઈ રહ્યા છે તેથી અમે પકડી પાડ્યા’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ચેતવણી આપતા કહ્યું, કે ‘હું ચૂંટણી પંચને સંદેશો આપવા માંગુ છું, કે જો તમને લાગતું હોય તો કે તમે બચી જશો, તમારા અધિકારીઓ એવું માનતા હોય કે તે બચી જશે તો તમે ભ્રમમાં છો. અમે તમારી પાછળ પડી જવાના છીએ.’