

દુનિયાના ગમે તે ખૂણેથી દુનિયામાં કોઈપણ વ્યક્તિને છેતરવાના સાયબર ક્રાઈમને રોકવાની કવાયત કરતી અમુક પોલીસ કર્મચારીઓ કાયદો જાણતાં હોવા છતાં સાયબર ક્રિમિનલ બની રહ્યાં છે. જૂનાગઢ પછી દોઢ વર્ષે નર્મદા પોલીસનો તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાની કાયદેસર કાર્યવાહીના નામે પોલીસ તોડબાજી કરી રહ્યાનો બીજો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શંકાસ્પદ બેન્ક ખાતાંની વિગતો મળે એટલે મળતિયા દ્વારા થોડા પૈસા જમા કરાવી આ જ મળતિયાની છેતરાયો હોવાની અરજીના આધારે તોડબાજીનું પોલીસનું નેટવર્ક આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હોવાના અનેક તથ્યો સરકાર અને પોલીસ તંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ જાણે જ છે. ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષાએ આપ્રકારે પોલીસના તોડબાજીના નેટવર્કને અટકાવવાની કાર્યવાહી કરાશે ખરી તેવો સવાલ લોકોમાં છે.
વર્ષ 2024ના આરંભે જૂનાગઢથી ડીવાયએસપી કક્ષાના અધિકારી તરલ ભટ્ટ અને તેમના તાબાની ટીમ દ્વારા 335 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવવાનો ખેલ કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસ અધિકારી, કર્મચારીઓની ધરપકડ પણ કરાઈ હતી. ત્યારબાદ હવે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આવું જ એક ચોંકાવનારૂં કારસ્તાન પકડી પાડ્યું છે. રાજપિપળા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર લક્ષ્મણ ચૌધરી કેટલાક મહિનાઓથી બેન્કોને ઈ-મેઈલ કરીને બેન્ક એકાઉન્ટસ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવતો હતો. આ પ્રકારે બેન્ક ખાતાં ફ્રીઝ અને અનફ્રીઝ કરાવીને આર્થિક તોડબાજીના કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યાં છે. બે વર્ષમાં જ પોલીસ તંત્રનો જ હિસ્સો હોય તેવા કર્મચારી કે અધિકારી જ સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરાવી જેમના એકાઉન્ટસ હોય તેમને બોલાવીને તોડબાજીનો ખેલ ચલાવતાં હોવાના બે કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. બેન્કોએ પૈસાની ગેરકાયદે નાણાંકીય હેરાફેરી જણાય તેવા એકાઉન્ટસ ઉપર નજર રાખવી. કાયદાનું પાલન કરાવતી સંસ્થા તરફથી કોર્ટના આદેશ રજૂ કરાય બાદ એકાઉન્ટ ફ્રીઝ કરવા. મની લોન્ડરિંગના કિસ્સા રોકવા બેન્ક ખાતાંમાં કેવાયસી નિયમીત કરવા, એકાઉન્ટ ફ્રીઝ કરતાં પહેલાં ખાતાધારકને નોટિસ આપવી, આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાના બદલે શંકાસ્પદ રકમ ફ્રીઝ કરવી, એકાઉન્ટ કે રકમ ફ્રીઝ કરવાના કિસ્સામાં ખાતાંધારકને પૂરતી અને પારદર્શક જાણકારી આપવી અને બેન્કિંગ સેક્ટરની નિયમાવલી અનુસાર આ કાર્યવાહી કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે.