મિડલ ઈસ્ટમાં Iran, Israel અને United States વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાતા Morbiના ઉદ્યોગોને ભારે ઝાટકો લાગ્યો છે. દરિયાઈ માર્ગોમાં અવરોધ અને ગેસ પુરવઠામાં કટોકટી સર્જાતા મોરબીના સિરામિક તેમજ પેપરમિલ ઉદ્યોગ પર સંકટના ઘેરા વાદળો છવાઈ ગયા છે. ખાસ કરીને Strait of Hormuz માર્ગ પર અવરજવર મર્યાદિત થવાથી ગેસ સપ્લાય પર અસર પડી છે અને ઉદ્યોગોમાં ગેસની ગંભીર અછત ઉભી થઈ છે.
100થી વધુ યુનિટ બંધ, 5 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર
સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા મુજબ હાલ સુધીમાં આશરે 100 જેટલા સિરામિક યુનિટો બંધ થઈ ગયા છે. આ કારણે લગભગ 5,000 જેટલા કામદારો રોજગારી ગુમાવી ચૂક્યા છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ સામાન્ય નહીં બને તો મોરબીના લગભગ 1,100 સિરામિક એકમો બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. હાલમાં Gujarat Gas તરફથી ઉદ્યોગોને માત્ર 50 ટકા ગેસ પુરવઠો જ મળી રહ્યો છે. જો તમામ યુનિટ બંધ થશે તો સીધી અને આડકતરી રીતે જોડાયેલા આશરે 10 લાખ લોકોની રોજીરોટી પર ગંભીર અસર પડી શકે છે.
પેપરમિલ ઉદ્યોગ પણ સંકટમાં
મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થયો છે. શિપિંગ રૂટમાં અવરોધને કારણે કાચા માલની આયાત અટકી ગઈ છે અને એક્સપોર્ટ ખર્ચમાં લગભગ 2,000 ડોલર જેટલો વધારો થયો છે. પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ કોલસાના ભાવમાં પણ પ્રતિ ટન લગભગ 1,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. મોરબીની લગભગ 52 પેપરમિલોનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 5,000 કરોડ રૂપિયા છે, જે હાલ જોખમમાં મુકાયું છે.
ઉદ્યોગપતિઓ ‘વેઈટ એન્ડ વોચ’ સ્થિતિમાં
ગલ્ફ દેશો અને યુરોપ તરફ થતી નિકાસમાં અવરોધ સર્જાતા ઉદ્યોગપતિઓ હાલમાં ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. ઘણા ઉદ્યોગોએ નવા ઓર્ડર સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને કેટલાક એક્સપોર્ટ ઓર્ડરોને સ્થગિત રાખવામાં આવ્યા છે. જો મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ એક સપ્તાહ સુધી યથાવત રહેશે તો મોરબીના સિરામિક અને પેપરમિલ બંને ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.














Leave a Reply