ગાંધીનગરથી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ માટે e-Zero FIR સેવાનો પ્રારંભ, હવે ઘરેથી જ નોંધાશે ફરિયાદ

સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડના કેસોમાં નાગરિકોને ઝડપી મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ડિજિટલ સેવા શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
આ નવી સુવિધા હેઠળ હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. નાગરિકો માત્ર 1930 હેલ્પલાઇન નંબર પર ફ્રોડની જાણ કરશે, ત્યારબાદ સિસ્ટમ દ્વારા આપમેળે e-Zero FIR જનરેટ થશે.
આ ફરિયાદ સીધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવશે અને નિયમ મુજબ આગળની તપાસ શરૂ કરશે.
પૈસા પરત મળવાની શક્યતા વધશે
e-Zero FIR સેવાના કારણે સાયબર ફ્રોડની જાણ ઝડપથી થઈ શકશે, જેના કારણે પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમ સમયસર કાર્યવાહી કરી શકશે. ફ્રોડ થયેલી રકમને હોલ્ડ અથવા ફ્રીઝ કરાવીને પીડિતોના પૈસા બચાવવાની શક્યતાઓમાં વધારો થશે.
પ્રથમ કેસમાં જ ₹15.76 લાખ બચાવવામાં આવ્યા
આ નવી વ્યવસ્થાની શરૂઆત સાથે જ તેનું પરિણામ પણ જોવા મળ્યું છે. અમદાવાદના એક વ્યક્તિ સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે સાયબર છેતરપિંડી થઈ હતી. આ કેસમાં e-Zero FIR દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી અને સાયબર ક્રાઇમ વિભાગે પીડિતના ₹15.76 લાખથી વધુ રૂપિયા બચાવવામાં સફળતા મેળવી હતી.
રાજ્ય સરકારની આ પહેલથી સાયબર ફ્રોડના કેસોમાં ઝડપી ફરિયાદ નોંધણી અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે.