
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે દ્વારા રાજકોટની એક સહકારી બેંક અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને નોટિસ પાઠવી છે. આ કેસમાં હકીકત એવી છે કે અરજદારે દાવો કર્યો હતો કે બેંકની ભૂલને કારણે તેનો CIBIL સ્કોર નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો, અને તેના કારણે તે બેન્ક લોન માટે અયોગ્ય બન્યો હતો.પ્રસ્તુત કેસમાં પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ કે જેઓ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના ગ્રાહક છે તેમને લોન રિકવરીના મામલામાં બેન્ક દ્વારા નોટિસ મળી હતી. આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેઓ અલ્પેશ બરૈયા અને સોનલબેન વાઘેલા દ્વારા લેવામાં આવેલી બે લોન માટે તેણે ગેરેન્ટર તરીકે સહી કરી હતી.
પ્રવિણભાઈએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને જુલાઈ 2019માં બેંકને પત્ર લખીને રેકોર્ડની ચકાસણી કરવા વિનંતી કરી હતી. તેમણે આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ફરિયાદ પણ કરી હતી.આ રજૂઆત બાદ બેંકે પોતાની ભૂલ સ્વીકારી લીધી, પરંતુ નુકસાન પહેલા જ થઈ ચૂક્યું હતું.29 ઓગસ્ટ, 2019 ના રોજ, સહકારી બેંકે તેની ભૂલ સ્વીકારી અને કહ્યું કે વાસ્તવિક ગેરેંટર કોઈ અન્ય ‘પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ’ હતા, જેમનું બેંકમાં ખાતું હતું. બંને વ્યક્તિઓના નામ સરખા હોવાથી ભૂલથી ખોટી વ્યક્તિને નોટિસ મોકલવામાં આવી હતી. બેંકે રાઠોડને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય અને સુધારાત્મક પગલાં લેવામાં આવશે.પરંતુ આ ભૂલથી રાઠોડના CIBIL સ્કોરને અસર થઈ. તેનો સ્કોર, જે અગાઉ 750થી ઉપર હતો, તે નવેમ્બર 2019માં ઘટીને 587 થઈ ગયો અને જાન્યુઆરી 2025 સુધીમાં 486 થઈ ગયો. પરિણામ એ આવ્યું કે સરકારી સ્વ-રોજગાર યોજના હેઠળ તેમની રૂ. 6 લાખની લોનની અરજી ના મંજુર કરવામાં આવી હતી.
અરજદાર પ્રવીણભાઈ રાઠોડે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત ગુજરાત હાઈકોર્ટના પિટિશન દાખલ કરવામાં આવી છે. બેંકની બેદરકારીને કારણે અરજદારને આર્થિક નુકસાન થયું હતું અને તેઓ લોન મેળવવામાં અસમર્થ હતા.બેંકને તેનો CIBIL સ્કોર સુધારવા અને આ મામલાની આરબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો નિર્દેશ આપે તેવી માંગ કરવામાં આવી છે.હાઈકોર્ટમાં પ્રાથમિક સુનાવણી બાદ જસ્ટિસ અનિરુદ્ધ માયે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ અને આરબીઆઈને નોટિસ પાઠવી છે અને આ કેસની વધુ સુનાવણી આગામી તા.11 એપ્રિલના રોજ નિયત કરવામાં આવી છે.
