
કેન્દ્ર પુરસ્કૃત યોજના ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ગુજરાત રાજ્યે ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતિ તથા કબજા મુજબ તૈયાર થાય તેવ આશયથી સમગ્ર દેશમાં આ કામગીરીની પહેલ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ઈલેકટ્રોનિક ટોટલ સ્ટેશન (DGPS) સીસ્ટમ અંતર્ગત સેટેલાઈટ દ્વારા જમીન રિ-સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગુજરાત રાજ્યમાં જમીનોની રિ-સરવે કામગીરી સને 2009-10થી શરૂ કરી તબક્કાવાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવેલી હતી.આ કામગીરી ઓનલાઈન સ્પર્ધાત્મક ટેન્ડરો મેળવી રાષ્ટ્રીય સ્તરે આધુનિક માપણીની ટેક્નોલોજીની જાણકાર નિષ્ણાત અને જમીન મોજણીની કામગીરીના અનુભવ ધરાવતી કુલ 9 (નવ) એજન્સીઓ મારફતે હાથ ધરાઈ હતી. જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ આશરે રૂ.800થી રૂ.1200 કરોડનો તોતીંગ ખર્ચ થયો હોવાનો અંદાજ છે.
જમીન પુનઃમાપણીમાં ખેડૂતોની જમીનોના 80 ટકા સરવે નંબરની માપણી ખોટી થઈ હોવાનો આરોપ અનેક ગામોના ખેડૂતોએ અવારનવાર નોધાઈ ચૂક્યા છે છતાં સરકાર પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી.જમીન પુનઃ માપણીની કામગીરી પારદર્શક રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પૂરતી તકેદારી રાખી હોવાનું સરકાર ગાણું ગાય છે પરંતુ કાગળ ઉપર દોરેલી જમીન માપણી વાસ્તવમાં સ્થળ પર જઈને કરાયેલી ન હોવાથી સરવે ખોટા છે તે હકીકત છે.જે તે સમયે રાજ્ય સરકારના મોજણી અધિકારીઓએ મહેસૂલ વિભાગને અહેવાલ આપ્યો હતો કે, મોજણી ખોટો થઈ છે.અનેક લોકો ફરિયાદ કરે છે કે 80 ટકા નકશા ખોટા છે તેમ છતાં મહેસુલ પ્રધાન કૌશિક પટેલે સરકારનો જ બચાવ કર્યો હતો.જ્યારે હજારો ગામોમાં ખેડૂતોએ આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો કે તેમની જમીનની મોજણી ખોટી થઈ છે.ફરીથી કરો. મહેસૂલ પ્રધાન વારંવાર કહે છે કે મોજણી બરાબર થઈ છે. તો શું આ હજારો ખેડૂતો ખોટા છે ?
જમીનની પુનઃમાપણી બાદ ખેડૂતોના ખેતરોમાં રોડ આવી ગયા છે અને રોડ હતા ત્યાં નદી આવી ગઈ છે. ખેતરો બદલાઈ ગયા છે.આ પરીણામાં સદીઓ સુધી ખેડૂતોએ ભોગવવા પડશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગારીમાં પોલંપોલ બહાર આવ્યું છે. ખેતરોમાં જઈને જમીન માપણી કરવાના બદલે સેટેલાઈટની મદદથી જ માપણી કરતા જમીનોના કબજેદારો બદલાઈ ગયા છે.
ગુજરાત સરકારના રૂ.262 કરોડના જમીન પુન: સરવે પ્રોજેક્ટમાં ગોટાળા બહાર આવ્યા હતા.રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઈ નથી. IICT ટેકનોલોજી નામની હૈદરાબાદ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી છે.આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું જે તે સમયે ચર્ચામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જમીન માપણીના મુદે ખોટી જમીન માપણી રદ કરો ના સૂત્ર લખેલુ ટી શ ર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો હતો.ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવો તેવી સુચના આપી હતી,જો કે આ સૂચનાને અવગણીને હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષએ સાર્જન્ટને સુચના આપી ધારાસભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના દર્શાવે છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો બાબતે સવેદનશીલ નથી.દરેક ચૂટણીના સમયે ખેડૂતોને ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ પછીથી સમગ્ર રાજ્યના ખેડૂતોના પ્રશ્નો બાબતે આપેલા વચનો પાળવામાં સરકાર બહુ રસ નથી દાખવતી તે પણ હકીકત છે.જમીન માપણીનો પ્રશ્ન જ્યારે હજારો ખેડૂતોના પરિવાર અને અસ્તિત્વ સાથે સકલાયેલો છે ત્યારે રાજ્ય સરકાર આનો ઝડપથી યોગ્ય ઉકેલ લાવે તે અત્યંત આવશ્યક ગણાય.
