
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આપેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (દર નક્કી કરવા અને વસૂલવા) નિયમો 2008 મુજબ સ્થાપિત કરવામાં આવે છે. આ નિયમો અનુસાર કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમાન ભાગમાં અને તે જ દિશામાં 60 કિમીની અંદર અન્ય કોઈ ટોલ પ્લાઝા સ્થાપિત કરી શકાતા નથી. આ 60 કિમીનો નિયમ 2008ના નિયમો પછી અમલમાં આવ્યો છે. અગાઉ 1997ના નિયમોમાં આવી કોઈ જોગવાઈ નહોતી. શું આપણે 60 કિમીની અંદર બે વાર ટોલ ચૂકવવો પડશે? – ગડકરીએ વધુમાં કહ્યું કે, જો જરૂર પડે તો NHAI જેવા અધિકારીઓ 60 કિમીની અંદર બીજો ટોલ પ્લાઝા બનાવી શકે છે અથવા લેખિત કારણોના આધારે કંપનીને પરવાનગી આપી શકે છે. આ ઉપરાંત જો ટોલ પ્લાઝા મોટા પુલ, બાયપાસ અથવા ટનલ સાથે જોડાયેલ હોય, તો તે 60 કિમીની મર્યાદામાં પણ બનાવી શકાય છે. જો હાઇવે પર ક્લોઝ્ડ યુઝર સિસ્ટમ હેઠળ ટોલ વસૂલવામાં આવી રહ્યો હોય તો ટોલ પ્લાઝા ગમે ત્યાં સ્થાપિત કરી શકાય છે. અંતરની કોઈ મર્યાદા નથી.
નવી પાસ સિસ્ટમ 60 કિમીના નિયમ પરના વિવાદને અમુક હદ સુધી સમાપ્ત કરશે. કારણ કે આ પાસ હેઠળ તમે વાર્ષિક 3000 રૂપિયા ચૂકવીને 200 વખત અથવા એક વર્ષ માટે મુસાફરી કરી શકો છો. જો કે આ મુસાફરી દરમિયાનના બધા ટોલ ગણવામાં આવશે. 200 વાર ટોલ પાર કર્યા પછી તમારે ફરીથી રિચાર્જ કરવાની જરૂર પડશે. જો કે આનાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. ધ્યાનમાં રાખો કે 3000 રૂપિયાની આ વાર્ષિક પાસ સિસ્ટમ ફક્ત કાર અને જીપ જેવા ખાનગી વાહનો માટે જ હશે. વાણિજ્યિક અને મોટા વાહનોએ પહેલાની જેમ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
