
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા ગુરુવારે કહ્યું હતું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને માતૃભાષાઓમાં ગર્વથી વિશ્વનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ ટૂંક સમયમાં શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ બહુ દૂર નથી. ફક્ત દૃઢ નિશ્ચયી લોકો જ પરિવર્તન લાવી શકે છે. મારું માનવું છે કે ભાષાઓ આપણી સંસ્કૃતિના રત્નો છે. આપણી ભાષાઓ વિના આપણે સાચા ભારતીય બની શક્તા નથી. અમિત શાહે કહ્યું, “કોઈ પણ વિદેશી ભાષા આપણા દેશ, આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણા ધર્મને સમજવા માટે પૂરતી ન હોઈ શકે. અધૂરી વિદેશી ભાષાઓ દ્વારા સંપૂર્ણ ભારતની કલ્પના કરી શકાતી નથી. હું સંપૂર્ણ રીતે જાણું છું કે આ યુદ્ધ કેટલું મુશ્કેલ છે, પરંતુ મને એ પણ વિશ્વાસ છે કે ભારતીય સમાજ તેને જીતી લેશે. ફરી એકવાર, આત્મસન્માન સાથે, આપણે આપણા દેશને આપણી ભાષાઓમાં ચલાવીશું અને વિશ્વનું નેતૃત્વ પણ કરીશું.” વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘડવામાં આવેલા ‘પંચ પ્રાણ‘ (પાંચ પ્રતિજ્ઞાઓ) પર ભાર મૂકતા, અમિત શાહે કહ્યું કે આ પાંચ પ્રતિજ્ઞાઓ દેશના ૧૩૦ કરોડ લોકોનો સંકલ્પ બની ગઈ છે.
