
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી (GAMBHIRA BERIDGE ACCIDENT) થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીથી ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીબીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીના (CM BHUPENDRA PATEL) બે ટ્વીટ સામે આવ્યા છે. જે પૈકીના એક ટ્વીટમાં તેઓ જણાવે છે કે, આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.જ્યારે અન્ય ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે, માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModiએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
