વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડપણ હેઠળની કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા માપદંડ અનુસાર વધારે રજાઓ લેનારા અધિકારીઓ ઉપરાંત, શંકાસ્પદ સંપત્તિ, ભ્રષ્ટાચાર અથવા આરોગ્યના પ્રતિકૂળ રેકોર્ડને કારણે ‘બ્લેકલિસ્ટ’માં આવનારા અધિકારીઓને સેવામુક્ત કરાય તેવી શક્યતા છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા કામગીરીના માપદંડ આધારે કેન્દ્રીય સચિવાલય સેવાઓ અને ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા ઉચ્ચ સચિવ સ્તરના અધિકારીઓના પ્રદર્શનની સમીક્ષા શરૂ કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.સરકારે મૌલિક નિયમ (એફઆર) ૫૬૦ (૧) (એલ) અને સીસીએસ (પેન્શન) નિયમ,૧૯૭૨ના નિયમ ૪૮ હેઠળ ઉચ્ચ સચિવ સ્તરના અધિકારીઓની સમીક્ષાનો આદેશ આપ્યો છે. અગાઉ આવી જ સમીક્ષા પછી ઘણા અધિકારીઓને કાર્યકાળ પૂરો થયા પહેલાં જ નિવૃત્ત કરી દેવાયા હતા. તેમની કામગીરી નબળી હોવાના કારણે આ પગલું લેવાયું હતું. તાજેતરમાં કાર્મિક મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી સમીક્ષામાં નબળી કામગીરી કરનારા ઉચ્ચ સચિવોને હટાવાય તેવી શક્યતા જોવાએ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેબિનેટ વિસ્તરણ સાથે મંત્રીઓના ખાતામાં મોટા ફેરફાર કર્યા છે. નબળી કામગીરીને પગલે ઘણા મંત્રીઓને કેબિનેટમાંથી પાણીચું પકડાવી દેવાયું છે. હવે સરકારી અમલદારોનો વારો છે. કેન્દ્ર સરકારના તમામ વિભાગ અને મંત્રાલયને મૌલિક જોગવાઇઓ કે નિયમો અનુસાર સમીક્ષાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.સરકારે બનાવેલા ફોર્મમાં પાયાના આઠ માપદંડ સામેલ છે. તેના આધારે ઉચ્ચ સચિવના કામની સમીક્ષા કરાશે. જોકે, કોઈ અધિકારી સમીક્ષાના એક વર્ષની અંદર નિવૃત્ત થતો હોય તો તેને સેવામુક્ત કરવામાં નહીં આવે.