
સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામેની આરોપીની અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યુ હતું કે આ કોર્ટે આવા શ્રેણીબદ્ધ કેસમાં જણાવ્યું છે કે ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં. આ કેદને એક સજા બનાવી શકાય નહીં.
ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદારને 5.2 વર્ષથી વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યો છે અને 2019માં નોંધાયેલા કેસમાં હજુ સુધી સુનાવણી ચાલુ થઈ નથી.રાજ્યના વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કેસમાં જામીન પર મુક્ત કરાયેલો સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી. આ કેસમાં સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોવાની દલીલ પર ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારને ફક્ત એટલા માટે સજા ન કરી શકાય કે સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી. જામીન આપવાનો ઈનકાર કરવાનો આ મજબુત આધાર નથી. ખંડપીઠે અરજદારને ગ્રેટર નોઈડા ખાતે નોંધાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
