અમદાવાદમાં નરોડા પોલીસના કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી, નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની કારથી એક્ટિવાને ટક્કર મારવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. તપાસમાં કારચાલક નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવે હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક્ટિવા પર કાકા-ભત્રીજી જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, 21 સપ્ટેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યે કાસિન્દ્રાના 40 વર્ષીય આશિષ મહેન્દ્રભાઈ પટેલ પોતાની 15 વર્ષની ભત્રીજીને એક્ટિવા પર બેસાડીને સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્નેહ પ્લાઝા રોડ તરફથી આવતી ક્રેટા કારના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.
ટક્કરના કારણે એક્ટિવા સવાર કાકા-ભત્રીજી રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં સગીરાને હાથ અને ડાબા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેને પકડી લીધો હતો. ત્યારબાદ કારચાલક નરોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ગૌરાંગ દવે હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સમયે તે નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોએ કોન્સ્ટેબલને પોલીસને સોંપ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ગૌરાંગ દવેની ધરપકડ કરી છે. પોલીસે અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં અકસ્માતના ચોક્કસ કારણો તેમજ કોન્સ્ટેબલની નશાની સ્થિતિ અંગેની વિગતો સામે આવવાની બાકી છે.