કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાનો કેન્દ્રની ભાજપ સરકાર પલટવાર કરતાં જણાવ્યુ કે ભાજપ હવે ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. કેન્દ્રએ તમામ નિર્ણય સુપ્રીમ કોર્ટની ફટકાર પડ્યા બાદ જ લીધા હોવાનું પણ જણાવ્યુ છે. કેન્દ્ર સરકારના પ્રધાનો દિલ્હી સરકારને ગાળો આપી રહ્યા છે. શું આ તેમના સંસ્કાર છે? કેન્દ્ર સરકાર પાસે હવે રાજ્યો સાથે ઝઘડો કરવા સિવાય કોઇ કામ બચ્યું નથી. સિસોદીયાએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો પિત્ઝાની ઘરે ઘરે ડિલિવરી થઇ શકતી હોય તો પછી ઘરે ઘરે રાશનની ડિલિવરી કેમ ન થઇ શકે. ઓક્સિજનનો મુદ્દો હોય કે પછી પરીક્ષા રદ્દ કરાવવાનો મુદ્દો હોય. દરેક નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લપડાક લગાવ્યા બાદ જ કેન્દ્ર સરકારે લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.