પોરબંદર સોની વેપારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
ભારત સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેની સાથોસાથ HUID કોડ (હોલમાર્ક યુનિક આઈડેન્ટીફીકેશન ડિજિટ) પણ ફરજીયાત કરવામાં આવેલ છે. આ કોડ નંબરમાં જ્વેલરી ઉત્પાદકના તમામ માહિતીની સાથોસાથ તેમાં ખરીદનાર ગ્રાહકની માહિતી પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકોને ગુણવતાવાળુ શુદ્ધ સોનું મળે તેને ધ્યાનમાં રાખી હોલમાર્ક ફ્રજીયાત કરવામાં આવ્યો હતો. . આ વેપારીઓએ ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર પાઠવી યુનિક આઈ.ડી. નંબર રદ કરવા માંગ કરી હતી.આ મામલે પોરબંદર સોની વેપારી મહામંડળ દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેના પગલે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર સહિતની સોની બજારો બંધ રહી હતી.લગભગ સાડા ત્રણસો કરતા વધારે સોની વેપારીઓએ બંધ પાડી સરકાર સામે નારાજગી વ્યકત કરી હતી. સોની વેપારીઓના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા ખૂબ લાંબી હોવાને કારણે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. સરકાર આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.